Category Archives: Uncategorized

શાંત પળો માં – ગિજુભાઈ બધેકા

Image

ઘડીભર રાજદ્વારી પ્રપંચ છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર વકીલી કાવાદાવા છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર વેપાર ની ગડમથલ છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર કાવ્ય-સંગીતને છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર ભાઈબંધ-મિત્રોને છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર પ્રભુભજન ને પણ છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર જીવન-સમગ્ર વીસરી જા
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર ગડમથલિયા જગત ને ફેંકી દે
ને તારા બાળક સાથે રમ.
– – – – –

બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકા ની આ ઉત્તમ રચના જયારે મને ઓફીસ માં મિત્ર ચિંતન છાયા એ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ના bookmark સ્વરૂપે આપી ત્યારે બધું કામ પડતું મૂકી, ઘરે જઈ ને હસતા-રમતા મારા બાળકો ને મળવા નું મન થઇ આવ્યું.

માટી ને ચાકડા પર ચડાવવા થી ઘડો આપોઆપ નથી બની જતો. કુંભારે બાજુ માં બેસી ફરતા ચાખડા પર હાથે થી એ માટી ને ઘડી ને આકાર આપવો પડે છે. બાળક એની જાતે જ ઘડાઈ જશે એવું માનવું એ માં-બાપ તરીકે ની સૌથી મોટી ભૂલ ગણી શકાય.

માન્યું કે નોકરીઓ હવે અઘરી થઇ ગઈ છે અને સ્પર્ધાત્મક માહોલ માં આગળ રહેવા માટે સતત મેહનત કરવી પડે છે. મેં લોકો ને એવું કહેતા સાંભળ્યા છે, “આપણે આ બધી મહેનત કરી ને જે કંઈ કમાઈયે છીએ તે કોના માટે છે? બાળકો માટેજ વળી!” સાચી વાત, પણ બાળક ના ઘડતર ને કમાણી સાથે કોઈ સંબંધ નથી; એને તો સમય જોઈએ. સાચા શિક્ષણ ની શરૂઆત બાળક સાથે સમય વિતાવવા થી જ થાય છે – સાથે રમવું, હસતા રમતા જોવા, એને ભૂલ કરવા દેવી, કરેલી ભૂલો માં થી શીખવા દેવું, આસપાસ ના વિશ્વ ની સમજ આપવી, વાર્તાઓ કરવી, સંસ્કારો નું સિંચન કરવું એ પૈસા કમાવા કરતા પણ વધારે અગત્ય નું (અને કદાચ વધારે અઘરું પણ) છે. બાળકો મોટા થઇ જાય પછી એમ કહેવું “છોકરાઓ ક્યાં મોટા થઇ ગયા એ ખબર જ ન પડી!” એ કઈ ગર્વ લેવા જેવી વાત નથી.

ગિજુભાઈ બધેકા ની આ કૃતિ એ મને પણ એવી પ્રતીતિ કરાવી કે તમારા બાળક સાથે સમય વિતાવવો એ તેમને પ્રેમ કરવાની એક એવી રીત છે જેનાથી સંબંધ ના તાંતણા મજબુત બને છે અને બાળક નો આત્મ-વિશ્વાસ પણ! તેમની કહેલી અને મારા સુધી પહોંચેલી આ વાત હું યાદ રાખીશ. મારી સાત વર્ષ ની દીકરી અને આઠ મહિના નો દીકરો તેમના કલરવ થી ઘર ને એવી રીતે મલકતું રાખે છે જેમ એક ઝાડ ને તેમાં કલરવ કરતા પક્ષીઓ.

તો જો ઘર માં નાનું બાળક હોય તો ગિજુભાઈ કહે છે તેમ “તારા બાળક સાથે રમ” અને જો ઘર માં નાનું બાળક ન પણ હોય તો કદાચ એવું કહી શકાય કે “તારી અંદર રહેલા અને જીવતા એવા બાળક સાથે રમ.”

તન્મય વોરા – લખ્યા તા: 17-May-2013

સંપૂર્ણ રીતે અપૂર્ણ

મનુષ્ય હોવું એટલે જ અપૂર્ણ હોવું. દેખાતો સંપૂર્ણ માણસ એક ભ્રમ છે. સત્ય એ છે કે આપણી અપૂર્ણતાઓ પુરાવો છે આપણા મનુષ્ય હોવાનો . 
તમે ક્યારેય નાના બાળક ને જોયું છે? 
શું તે જન્મ થી જ સંપૂર્ણ હોય છે? તેને કેટલું તો નથી આવડતું હોતું. પણ છતાં ખુબ વહાલું લાગે છે, કેમ કે આપણે એ નાના બાળક ને સાચા અને ખોટા, સારા અને ખરાબ ના ત્રાજવા માં નથી તોળતા. એ જે છે તેનો જ સ્વીકાર કરીએ છીએ. 
ફૂલ આપણને એટલે જ ગમે છે કારણ કે તે આપણને ખુશ કરવાની કોઈ પેરવી નથી કરતા. તે પોતાના માં મસ્ત છે અને પોતાની અપૂર્ણતાઓ નો સહજ સ્વીકાર કરી ને જીવે છે – ખરે છે.

શ્રેષ્ઠ અવાજ ધરાવતા પક્ષીઓ જ ગાતા હોત તો વન માં કેટલી ભયાનક શાંતિ હોત? દરેક પક્ષી ગાય છે, કેમ કે દરેક પક્ષી પાસે એક ગીત છે અને દરેક પક્ષી ની એક અલગ શૈલી છે. પરોઢ થતા ની સાથે આ પક્ષીઓ પોતાના કલરવ થી જયારે આપણ ને જગાડે છે ત્યારે આપણે એ કલરવ ને મુલવતાં નથી – બસ, એને માણીએ છીએ. 

પણ જયારે બીજા માણસ ની વાત આવે ત્યારે જીવન ભર આપણે તેમની પાસે થી સંપૂર્ણ થવા ની અપેક્ષાઓ રાખીએ છીએ. જયારે આપણે ખુદ જેવા ઇચ્છીએ છીએ એવા નથી બની શકતા તો બીજાઓ આપણે ઈચ્છીએ એવા કેવી રીતે બને? બીજાઓ ને તો ઠીક પણ આપણે આપણા બાળકો ને પણ કંઇક ‘બનાવવા’ માંગીએ છીએ અને એ જે ‘છે’ એને જોવાનું ચુકી જતાં હોઈએ છીએ. 
સત્ય એ જ છે:દરેક મનુષ્ય સંપૂર્ણ રીતે અપૂર્ણ છે અને જ્યાં સુધી આપણે બીજો ની અપૂર્ણતાઓ નો સહજ સ્વીકાર નહિ કરીએ ત્યાં સુધી આપણે કોઈ ને પણ સાચા દિલ થી ક્યારેય ચાહી નહીં શકીએ .  
તન્મય વોરા – લખ્યા તા: 19/04/2013

દૈનિક સંકલ્પ

આજે સવારે ઉઠ્યા પછી
હું સ્મિત કરું છું

નવા નક્કોર ચોવીસ કલાક
મારી સામે તૈયાર ઉભાં છે

હું પ્રત્યેક ક્ષણ નેં
પુરેપુરી જીવવા માટે અને

પ્રત્યેક જીવ નેં કરુણા નીં નજરે
જોવા માટે સંકલ્પબદ્ધ છું!

– વિએટનામ નાં ઝેન ગુરુ થીચ નહાટ હાન્હા

શા માટે કો અન્ય થઇ ને જીવીએ?

આપણું પોતાનું જીવન
ધન્ય થઇ ને જીવીએ,
શા માટે આપણે,
કો અન્ય થઇ ને જીવીએ?
– શોભિત દેસાઈ

ઈશ્વર નો અનુગ્રહ

જીવન માં થી
સંગ્રહ – આગ્રહ – પરિગ્રહ અને પૂર્વગ્રહ છુટે
તો
ઈશ્વર નો અનુગ્રહ ઉતરે…!

– પૂ. મોરારી બાપુ

આપજે

ભલે તું મને ફક્ત રણ આપજે
હું ચાલી શકું એ ચરણ આપજે

ભલે હર ઘડી મુંજવણ આપજે
મને કાળજું પણ કઠણ આપજે

પરમતત્વ ને પામી શકું હું પણ
મને એવી એકાદ ક્ષણ આપજે

હું બોલું પછી, હોઠ ખોલું પછી
પ્રથમ તું મને આચરણ આપજે

કદાચિત ભૂલી જાઉં હું ખુદ ને હમદમ
સતત એક તારું સ્મરણ આપજે!

– તુરાબ “હમદમ”

વિચાર શૂન્ય થવાની કળા

માણસ સૌથી વધારે યાતના ભોગવે છે બીજા કશા ને લીધે નહિ પણ વિચારો ને કારણે… – ટોલ્સટોય