Category Archives: નયનેશ વોરા ની કૃતિઓ

માઈક્રોફીકશન: પ..ણ..!!

લગભગ દર પંદર દિવસે કાળાં વસ્ત્રો પહેરેલી બે ચારણ સ્ત્રીઓ પાડોશ ના ઘરનાં બારણાં પાસે આવીને ઊભી રહેતી અને બોલવા લાગતી. એ બન્ને સ્ત્રીઓ ડર લાગે તેવી હતી. અને પોતે ઘરના બારણા વાસી દેતી.

ફરી આજે  એ સ્ત્રીઓ પોતાના ઘરના બારણા પાસે ઊભી રહી…કહેવા લાગી, “ ચાલ બેના, ખોડિયાર મા ના ઘઉં આપી દે….”

પોતે કઇ વિચારે ત્યાં બીજી સ્ત્રી બોલવા લાગી, “બારણે આવનારને આમ ઊભા ન રખાય, અને પાછા પણ ન 

વળાય… આ તો ખોડિયાર મા નું કામ છે.. દીકરી… મા તારા ભાઇને સો વર્ષનો કરે…!”

એને થયું, મા ખોડિયારે મને ભાઇ આપ્યો હોત તો… તો …હું તને…!

પ..ણ…!

– નયનેશ વોરા

માઈક્રોફીક્શન – મોંઘવારી

સુમનરાય સવારના પહોરમાં છાપું વાંચી રહ્યા હતા, અચાનક એક સમાચાર પર નજર પડતા ચહેરા પરના હાવભાવ બદલાઇ ગયા. ખુશી છવાઈ ગઈ ચહેરા પર…પત્નીના નામની બૂમ પાડી. પત્નીને કહી રહયા હતા, “સાંભળ્યું? ચાર ટકા મોંઘવારી ભથ્થું વધ્યું. વધારો પણ મળશે.” સુમનરાયે છાપા નું પાનું ફેરવ્યું. પત્નીના ચહેરા પર પણ રાજીપો હતો. સુમનરાય ચા પીવા લાગ્યા અને વધારો કેટલો મળશે તેની ગણત્રી કરવા લાગ્યા, મનોમન…

ઘરકામ કરતા શંકરે સાવરણી હાથમાં લેતા જ જાહેરાત કરી – “આ મહીના થી એક કામના સો રૂપિયા વધાર્યા છે. તમારા બે કામ ના બસો વધશે!”

સુમનરાય કંટાણું મોઢું કરીને જોતા રહી ગયા.

નયનેશ વોરા, 22.07.2020

લઘુ વાર્તા: રીકનસીલિએશન

રાત્રી ના દસ‌ થવા આવ્યા હતા. ઓફિસની આવતાં મોડું થયું હતું. ઘરમા પ્રવેશતાં જ પત્નીએ પૂછ્યું હતું, ” આજે બહુજ મોડું થયું, નહીં ?” થાકેલા અવાજમાં તેણે જવાબ આપ્યો હતો,” કાલે હિસાબોના રીકનસીલિએશન – મેળવણા માટે હેડ ઓફિસ જવાનું છે.”

ઓફિસમાં સ્ટાફ દ્વારા તૈયાર કરાયેલા પત્રકો તપાસી, ગોઠવીને, નીચે હિસાબી અધિકારી ના સિક્કા પર પોતે સહી કરીને એટેચી માં મુકી દીધા હતા. સવારે વહેલી બસ પકડવાની હતી.

***

રીકનસીલીએશન નુ કામ પતાવીને એ ફરી ઘરે આવ્યા. હિસાબો બરાબર હતા તેવું પ્રમાણપત્ર હેડ ઓફિસે આપ્યું હતું. અધિકારીઓ પણ તેના કામથી ખુશ હતા. એકાઉન્ટ મેટર મા પોતાની માસટરી હતી. પણ ક્યારેય  અભિવ્યક્ત કરતા ન હતા.

***

ઘેર આવતાં જ પત્ની એ ટપાલમાં આવેલું કવર આપેલું. મિત્ર નો પત્ર હતો… લખ્યું હતું, ” તમે ઉછીના લીધેલા પૈસા પેટે બાકીના પચાસ હજાર ચૂકતે કરશોજી્.”

હવે આ રકમનો ક્યાં થી જોગ કરવો તેના ચકરાવે પોતે ચડી ગયા હતા, અને મોડે સુધી પડખાં ફેરવતા રહયા.

પ્રવાસો ભીતરના..

માણસ અમથે અમથું ફર્યા કરે
એટલેજ કહેવાય છે કે ફરે તે ચરે।

પ્રવાસો ભીતરના અને બહારના એ
ક્યાં પહોંચવું તે હરદમ વિસ્મરે।

શું જોયું ભલું કે જાણ્યું ભલું પૂછે
હરદમ કોઈ નવી દિશા વિસ્તરે।

જિંદગી જ તો છે એક પ્રવાસ માનો
આવ્યા અને જશું જાણે સિતારા ખરે।

મોતી શોધવા દરિયે ડૂબકી મારે
શ્વાસ ખૂટે ને જળસપાટીએ તરે।

– નયનેશ વોરા, લખ્યા તા. 16 એપ્રીલ 2015, ચંડીગઢ

નેટવર્ક નું નેટવર્થ

અત્યાર નો સમય નેટવર્ક અને નેટવર્થ નો છે. નેટવર્થ એટલે પૈસા, મૂલ્ય નહીં. પૈસા નો સૌને લોભ છે અને ઘણા લોકો પૈસા માટે પોતાનું ઈમાન અને ધર્મ ને પણ ભ્રષ્ટ કરતા હોય છે. નીતિ થી પૈસો કમાવો એ ધર્મ હોય શકે, એ વાત માનવા ઘણા લોકો તૈયાર નથી હોતા.

ઈન્ટરનેટ અને મોબાઈલ ના જમાના માં નેટવર્ક નો વ્યાપ વધ્યો છે – એટલો કે નેટવર્ક નો પ્રશ્ન ક્યારેક જ નડતો હોય છે. રસ્તા પર કાર માં કે બાઈક પર કાન નીચે મોબાઈલ દાબીને લોકો વાતો કરતા હોય છે. સંબંધો નું નેટવર્ક પણ આવું જ હોય છે, પણ અહીં ઘણી વખત નેટવર્ક નો પ્રશ્ન થતો હોય છે. જ્યાં આપણે દિલ ખોલી અને મુક્ત મને વાતચીત કરવી હોય ત્યાં વાત નથી થતી અને નેટવર્ક મળતું નથી. નેટવર્ક મળવા માટે દિલ ના ટાવર માં એકમેક ના સ્પંદનો ઝિલાય એ મહત્વ નું હોય છે. બાકી બધુજ વ્યર્થ હોય છે. કદાચ એટલેજ આપણે મોબાઈલ ને સ્વીચ-ઓફ રાખવા ની ફરજ પડતી હશે! નેટવર્ક ની આંતર ગૂંથણી ને કારણે ઘણી વાર લોકો સંબંધો ને પણ સ્વીચ-ઓફ કરી મુકતા હોય છે.

વ્યાપ્ત નેટવર્ક ની બીજી ભેટ એટલે સાઈબર-ક્રાઈમ. કહે છે ને કે પ્રગતિ ક્યારેક સારા તો ક્યારેક વધારે ખરાબ પરિણામો ની જનક હોય છે. આપણે એવા કિસ્સાઓ વિષે જાણીએ છીએ જેમાં અજાણ્યા સ્ત્રી અને પુરુષ ઈન્ટરનેટ દ્વારા સંબંધ બાંધે, પછી લગ્ન કરે. મોટા ભાગે આવા કિસ્સાઓ માં યુવતિ “નેટ” માં ફસાતી હોય છે.

હમણા જ મહાનગર નો કિસ્સો અખબાર માં વાંચ્યો ત્યારે લાગ્યું કે આ ગેજેટ્સ શું આપણને આવું શિખવાડી શકે? પોતાના પ્રિયતમ સાથે ઓનલાઈન વાતચીત કરતી વખતે લગ્ન વિષે મોટો ઝઘડો થતાં જ યુવતિ એ વેબ-કેમ ની સામે જ આત્મહત્યા કરી. સાઈબર સેલ કાર્યવાહી કરશે પણ આમાં પ્રેમ નું શું અને જિંદગી નું શું? ઉમંગ અને ઉત્સાહ થી જીવનસાથી સાથે જીવવા ના કોડ ને આવેગ ની અગન જ્વાળાઓ ભરખી ગઈ!

ઈન્ટરનેટ અને મોબાઈલ ના વધુ પડતા ઉપયોગ સામે ઘણી વખત લાલબત્તી બતાવવા માં આવે છે. કાંતિ ભટ્ટ તો કહે છે કે આવા સાધનો માણસ ને સ્વ-કેન્દ્રી અને અતડા બનાવી દેતા હોય છે. સાધન માણસ નું ગુલામ બનવું જોઈએ, અહીં તો માણસ જ સાધનો નો ગુલામ બનતો જાય છે અને માઈગ્રેઇન અને ડીપ્રેશન નો ભોગ બનતો જણાય છે.

વિચારવું જરૂરી છે પણ ઉમંગ અને ઉત્સાહ થી જીવવું એ વધુ જરૂરી છે. આ માટે વિચારો ની સ્વીચ ક્યારે બંધ કરવી તે માણસ ના હાથ માં છે.  બહુ વિચારો પણ દુઃખી કરતા હોય છે.  તત્વજ્ઞાનીઓ, વૈજ્ઞાનિકો અને સર્જનશીલ લોકો ના જીવન માં હતાશા પણ હોય છે તો ક્યારેક કોમન મેન ગણાતા સીધા સાદા લોકો માનસિક રીતે ઉચ્ચ સ્તર પર જીવી અને જિંદગી ની ખરી મજા માણતા હોય છે.

આ માટે જરૂરી છે કે દરેક માણસે અઠવાડિએ ચોવીસ કલાક માટે બધા જ ગેજેટ્સ થી દુર રેહવું જોઈએ; જેથી એ સમય દરમ્યાન એ ખુદ ને રીચાર્જ કરી શકે – અને જીવન ની નાની ગણાતી મોટી મજાઓ, જેમ કે બાળક સાથે રમવું પરિવાર સાથે વાતચીત કરવી વાંચન કરવું વગેરે ને માણી શકે.

નસીમ નિકોલસ તાલેબ એ લખ્યું છે તેમ, “એક ‘ગુલામ’ અને એક ‘ટેકનોલોજી ના ગુલામ’ વચ્ચે એટલું જ અંતર છે કે સાચો ગુલામ સંપૂર્ણ રીતે જાણે છે કે તે આઝાદ નથી.”

– નયનેશ વોરા, લખ્યા તા: 07-જુલાઈ-2013

વિચારો નું ફાઈન ટ્યુનિંગ

Fine Tuning

Photo Courtesy: Jonathan Freese Flickr Gallery

છેલ્લાં કેટલાંક વર્ષો થી શહેરો તરફ ની દોટ વધી ગઈ છે. ધંધા રોજગાર ના ક્ષેત્રે હરીફાઈ પણ વધી છે. તેની સાથે સાથે આર્થિક  સામાજિક પ્રશ્નો જટિલ બનતા ગયા છે. દરેક નવી સવારે માણસ સમક્ષ નવા પડકારો ઉભા થતા હોય છે તો પડતર પ્રશ્નોમાં ના કેટલાક હજુ પણ ઉકેલવા ના બાકી રહી જતા હોય છે. નાણાં ના રોકાણ થી માંડી ને સંતાનો ના સગાઇ-લગ્ન જેવા કેટલાય પ્રશ્નો સામે આવે ત્યારે વિકલ્પો ઘણા હોય છે. આવા પ્રશ્નો ના ઉકેલ શોધતી વખતે માણસ દિમાગ નો ઉપયોગ કરતો હોય છે અને  ગણતરીઓ  કરે છે, જે કદાચ હંમેશા સાચી પડે તેવું બનતું નથી. રસ્તે ચાલતા કોઈ ભિક્ષુક આપણી પાસે જયારે યાચના કરે ત્યારે દિમાગ ના પાડે છે પણ દિલ તો ઇચ્છતું હોય છે કે પાંચ-દસ રૂપિયા તો આપવા જોઈએ! અને જો કઈ પણ ના બની શકે તો કઈ બોલ્યા વિના હળવે થી માફી લઇ લેવી જોઈએ!

એવું કહેવાયું છે કે સારું પુસ્તક એક દોસ્ત ની જેમ ક્યારેય દગો આપતું નથી, તે પ્રમાણે વિચારો ના દ્વંધ વખતે તો કોઈ સારું પુસ્તક હાથ માં આવી જાય તો બેડો પર થઇ જાય એવું બની શકે છે. પ્રેરણાત્મક સાહિત્ય ના પ્રકાશન નું બજાર ધમધમતું જોવા મળે છે અને આવા પ્રકાશનો  નું કરોડો નું ટર્ન-ઓવર થતું હોય છે.આ અતિ વિશાળ ફલક ધરાવતા વિષય માં હવે પ્રેમ લગ્ન અને સંબંધો ના વ્યવસ્થાપન અને જાળવણી નો ઉમેરો થયો છે અને સમાધાન લક્ષી સલાહ-સૂચનાઓ આપવામાં આવતા હોય છે. દુનિયા ના કુલ 103 જેટલા ગુરુઓ ના અવતરણો નું સંકલન  – “The Treasure – Essence from World’s Greatest Motivational and Self-Help Gurus” શ્રી યોગેશ ચોલેરા એ કર્યું છે તેની નોંધ લેવા જેવી છે, અને એક અસરકારક પુસ્તક બન્યું છે.

બાળવાર્તાઓ અને કહેવતો પેઢી દર પેઢી આપણાં જીવન માં વણાયેલી રહી છે અને રહેશે. આપણી આજુ બાજુ ના વિશ્વ ને માણવા ની પ્રક્રિયા માં એ આપણ ને સહાયરૂપ થતી હોય છે. ફાધર ઝેવિયર્સ નું આવું જ પુસ્તક “101 Inspiring Stories: Principles for Successful Living” માણવા અને જાણવા જેવું છે. પ્રશ્નો ના જવાબો ના ત્રિભેટે ઉભી ને માણસ  કેવી રીતે સાચા સમાધાન પર આવી શકે છે તે ખુબજ અસરકારક રીતે વાર્તા સ્વરૂપે રજુ કરાયેલ છે. તેમાં ની એક વાર્તા નો ભાવાર્થ નીચે રજુ કરું છું.

એક છુટક વેપારી ની દુકાન સામે ડીપાર્ટમેન્ટલ સ્ટોર થાય છે અને વેપારી મુશ્કેલી માં આવી જાય છે. ધંધો ઠપ્પ થઇ જશે એવા ડર થી એ દુકાન બંધ કરવાનો નિર્ણય કરતા પહેલા પોતાના ગુરુ પાસે માર્ગદર્શન માટે પહોંચે છે. ગુરુ તેને કહે છે, “બીજાઓ નો ડર તમારા મન માં ઘૃણા પેદા કરે છે અને ઘૃણા કરે તેનું પતન જલ્દી થાય. દરરોજ સવારે તારી દુકાન ને ખોલતા પહેલા તેને સમૃદ્ધિ ના આશીર્વાદ આપજે અને પછી સામે વાળા સ્ટોર ને પણ એવા જ આશીર્વાદ આપજે કારણ કે જેટલા આશીર્વાદ તું પેલા સ્ટોર ને આપીશ એથી બમણા આશીર્વાદ તને અને તારી દુકાન ને મળશે.” વેપારી એ આવું કર્યું અને દિવસો જતા આ વેપારી અને પેલા સ્ટોર ના માલિક મિત્રો બની ગયા અને આગળ જતા આ વેપારી ને સ્ટોર માં  પાર્ટનર બનાવી લેવાયો. વેપારી એ ઘણા વર્ષો સુધી આ સ્ટોર ને કુશળતા થી ચલાવ્યો જેથી કરી ને સ્ટોર ના માલિકે પોતાના બધાજ હક્ક વેપારી ને વહેંચી આપ્યા.

જગત માં દરેક તત્વો એક બીજા સાથે ગૂંથાયેલા હોય છે એ વૈજ્ઞાનિક સત્ય ને સ્વીકારવું રહ્યું. અદેખાઈ થાય એ સંજોગો માં સામે ની વ્યક્તિ માટે શુભ વિચારો કરવા, એ એક એવી શક્તિ છે કે જે પડઘા ની જેમ આપણા તરફ આવી ને આપણને મદદ કરી જાય એવું બની શકે છે.જયારે એક સમયે અનેક વિચારો આવી જતા હોય છે, ત્યારે આપણે આત્મા ના અવાજ ને સંભાળવો જરૂરી બને છે.

એટલે જ ઋગ્વેદ 1-89-1 માં કહ્યું છે તેમ “आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:” અર્થાત્ “દરેક દિશાઓ માં થી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ.”  મારી દ્રષ્ટિ એ પૂર્વ શરત એ છે કે આપણે પણ શુભ અને સારા વિચારો વહેતા મુકીએ.

આજ થી વર્ષો પહેલા મોટા એન્ટેના ધરાવતા ટી.વી. હતા – એમાં અવાજ કે ચિત્ર સ્પષ્ટ ન આવતા ત્યારે આપણે એન્ટેના ને થોડું અમથું ફેરવી ને ફાઈન ટ્યુનિંગ કરતા. તેવીજ રીતે અવાજો હોય કે  વિચારો હોય, થોડું ફાઈન ટ્યુનિંગ કરવા થી રાહ સ્પષ્ટ થાય અને જીવન મંગલમય બને!

– – – – –

લેખક: નયનેશ વોરા, લખ્યા તા: 24-એપ્રિલ-2013

કાગળ ઉપર

kagalupar

જીવિત જન્મ ના દાખલા થી મોત ના પ્રમાણ સુધી
જિંદગી આખી ટિંગાય છે માણસ કાગળ ઉપર

મરોડદાર અક્ષરો કહેવાય છે પ્રતિબિંબ માણસ નું
પગ થી માથા સુધી વંચાય છે માણસ કાગળ ઉપર

અસત્યો અનેક ફેલાયેલા છે માણસ ની આસપાસ
લાગે છે સત્ય જાણે ફંટાય છે માણસ કાગળ ઉપર

બે ચાર છુટા છવાયા મકાનો હોય છે નકશા ઉપર
આલીશાન નગર કલ્પાય છે માણસ કાગળ ઉપર

બોલ્યું બધું મિથ્યા છે એ સમજો હવે તો સારું
લખેલું હોય તે વંચાય છે માણસ કાગળ ઉપર

માન-મરતબો , મિલ્કત, બેંક-બેલેન્સ જિંદગી સુધી
કેવી હતી શોહરત અંકાય છે માણસ કાગળ ઉપર.

– – – – –

નયનેશ વોરા લખ્યા તા:11-02-2002, મોરબી ખાતે

– – – – –

શબ્દપ્રીત નો સ-રસ પરિચય વાંચકો ને આપવા બદલ webgurjari.in નો આભાર.

બંધ બારણાં – કોઈ આવશે તો? – નયનેશ વોરા

” મેં  તો  ચાહત નાં  દ્વારને
                           વાસ્યાં  હતાં;
એ તો  ચાલ્યાં  ગયા 
                          બંધ  જોઇને!    
 
ઘણી વાર  આપણે  એવું થતું  અનુભવ્યું હશે કે, કોઈ દોસ્ત ની  બહુજ યાદ આવી જાય અને એને મળીને ગપશપ કરવાનું મન થયું હોય તો ક્યારેક મુશ્કેલી ના  સમયમાં દિમાગને હળવું કરવાની અદમ્ય ઈચ્છા થઇ જતી હોય છે. આપણે  એ દોસ્તને ઘરે જઈએ  છીએ, અને ડોરબેલ ને  આપણી  આંગળીયોના  સ્પર્શનો અભાવ  રહી જતો  મહેસુસ  કર્યો હોય – કારણ કે બંધ દ્વાર ઉપર  એક તાળું લટકતું જોયેલું  હોય. એવું પણ બની શકે કે, ત્યારે આપણે  એકદમ  નિરાશ  થઇ જતા હોઈએ છીએ. યાદ ઉભરા જેવી હોય છે , દૂધ ગરમ કરીએ અને ઉભરો આવે કે સોડા બોટલ નું ઢાંકણું ખુલતા જ સોડા માં ઉભરો આવે તેમ યાદ ઉભરો બની જાય અને પછી આવે તે હોય છે વાસ્તવિકતા…આપણે જે રીતે વિચારતા હોઈએ તે રીતે દરેક સામે ની વ્યક્તિ વિચારતી હોય એ જરૂરી નથી હોતું.
 
તાજેતર માં છાપાઓ માં વાંચેલું યાદ આવ્યું કે તમિલનાડુ રાજ્ય માં એક ગામ એવું છે કે જ્યાં મકાનો માં બારણાં રાખવા ની પ્રથા જ નથી. એવું માનવા માં આવે છે કે અહીં દૈવી શક્તિ ની એવી આણ છે કે રક્ષા માટે બારણાઓ ની જરૂર પડતી નથી, એટલે ચોરી પણ થતી નથી. અહીં વાત શ્રધ્ધા ની છે – શ્રદ્ધા નું નામ હોઈ શકે?
 
કવિ એટલેજ કહે છે કે ખુદા ને પામવા નું નામ જ શ્રદ્ધા! આજે બધું જ બદલાઈ ગયું છે; અલગતાવાદે બારણાં ની આવશ્યકતા ઉભી કરી કે બારણાં ઓ એ અલગાવવાદ નો પાયો નાખ્યો એ કહી શકાતું નથી.  વિકાસ ની સાથે સાથે આપણું મન માત્ર પોતાના જ વિચાર કરવા લાગ્યું અને હૃદય માં પણ બારણાં ઓ પડી જતાં જોયાં.. !
 
એક મિત્ર ને કાર્યક્રમ ના સંચાલન દરમ્યાન એવું કહેતા સાંભળ્યા કે, શહેર ના ટ્રાફિક સિગ્નલ પર રસ્તો ખુલવા માટે રિવર્સ કાઉન્ટ શરુ થાય તે દરમ્યાન ભિખારી ને જોઈ ને આપણે કાર ના કાચ ચડાવી દઈએ છીએ.. ખરો પ્રશ્ન એ છે કે આપણે કેમ નથી વિચારતા કે જયારે આપણે મંદિર માં  જઈએ છીએ ત્યારે ભગવાન આવા કોઈ કાચ ચડાવે તો? આનો જવાબ ના હોય છે કારણ કે એ ભગવાન છે અને આપણે માણસ છીએ. મહત્વ ની વાત એ છે કે સામે ના માણસ ની પરિસ્થિતિ માં મુકાઇ ને જો વિચારવા માં આવે તો કદાચ આપણે આવું કરતા અટકીએ.  કોઈ આવે ત્યારે કાચ ચડાવીએ નહી અને અડધો કાચ પણ સાવ જ ઉતારી નાખીએ. વિચારવા ની તસ્દી જ ન લેવા ને કારણે વાદ-વિવાદ ઉભા થતા હોય છે. કુદરત ને બચાવવાના નારા ઓ ની જરૂર નથી; ખરેખર તો માણસ ના મનને પ્રદુષણ થી બચાવવા માટે ના slogans ની હવે જરુરીયાત ઉભી થઇ છે.
 
પૃથ્વી વિષે જો એવું slogan હોય કે “Our mother earth, let us care and share” તો પછી આપણા મન વિષે એવું કહી શકાય , “Mind is our father. Let us think and think again.”
 
          રાહોં પે નઝર રખના
                  હોઠોં પે દુવા રખના
          આ જાયે કોઈ શાયદ
               દરવાજા ખુલા રખના।
 
માણસ ને જરૂર એટલી જ છે કે એને ક્યારેય બંધ દ્વાર નો સંકોચ ના રહેવો જોઈએ!
 
નયનેશ વોરા – લખ્યા તા: 09-માર્ચ -2006

ઘર વિષે – નયનેશ વોરા

દરેક વ્યક્તિએ એના બાળપણમાં દરિયા કિનારે રેતી નાં ઘર બનાવ્યા જ હશે. ઘરની કલ્પના આપણાં દિમાગમાં છેક બચપણથી જ સંગ્રહાયેલી હોય છે. નાનપણ માં છોકરાઓ ઘર ઘર રમતા હોય, ત્યારે ઘર સીમાબદ્ધ હોય છે અને તેની આગળ પાછળ ની ભાવનાઓ અને લાગણીઓ અસીમ આકાશની જેમ ફેલાઈ જતી હોય છે. મૂળભૂત રીતે માણસ પોતાનાં માટે ઓથ ની શોધ કરતો હોય છે, જ્યાં સાંજ પડે જઈને “હાશ” કરી શકે. એટલે કે માણસ ઘર માં રહેતો હોય છે અને ઘર માણસ માં રહેતું હોય છે!
થોડા સમય પહેલા ‘ધરતીનો છેડો ઘર’ એ વિષય ઉપર મહાનુભાવો નાં વિચારો, વિભાવનાઓ નું રસપ્રદ સંપાદન વાંચ્યું ત્યારે મને એક સ્નેહીએ “ઘર” વિષય ઉપર કાવ્યપંક્તિઓ અને વાક્યો ની હસ્તલિખિત પુસ્તિકા આપી તે પણ યાદ આવી ગઈ. આ પુસ્તિકામાં શબ્દચિત્રોની સાથે વિવિધ પ્રકાર ના ઘરોના રેખાચિત્રો એક અલગ જ ભાવ જગત ઊભું કરે છે. કેટલાય જાણીતા અને અજાણ્યા લોકો ઘર વિષે નાં વિચારો કરતા હશે, ત્યારે એવું પણ બનતું હશે કે શબ્દો આકાશની જેમ વિસ્તારાયેલા હોય અને પરિકલ્પનાઓ અમાપ હોય, એવું માનવું પડે છે.
“ઘર એટલે” ની પ્રસ્તાવનામાં સંકલનકાર શ્રી સત્યામુનીએ કહ્યું છે કે ઘર ને સમજવું બહુજ આવશ્યક થઈ ગયું છે. બધાને બધી રીતે ઘરનો મર્મ સાંપડ્યો નથી હોતો, જેના કારણે જ કદાચ ઘણાં ઘરની કથામાં વ્યથાનો રંગ ઉપસતો હોય છે.
સંકલનકાર કહે છે તેમ આપણાં ઘર માં જેને પોતાના ઘર જેવું લાગે અને જેમના ઘર માં આપણને ઘર જેવું અનુભવી શકાય – આવા ઘરો કદાચ આજે આપણે શહેરો માં જવલ્લે જ જોઈ શકીએ. કારણ કે આજના ઘરો ચોરસ ફૂટ માં મર્યાદિત થઇ ગયા છે. જગ્યા પણ ઓછી અને દિલ માં પણ ઓછી જગ્યા! સત્યમુની એ કહ્યું છે તેમ ઘર એટલે આંતર-અવકાશ! વળી કવિ પ્રશાંત દેસાઈ કહે છે તેમ,

“ઘર એટલે હુંફ અને હાશ,
બેફામ મોક્ળાશ – જાણે ખુલ્લું આકાશ!”

ઘર એટલે શહેર માં અદ્યતન બંગલો કે ફ્લેટ. આજે પણ આ ગામડા ગામ માં ઘર ને ખોરડાં જ કહેવાય છે. એમાં વસતા દરેક જણ ના દિલ પણ વિશાળ હોય એવું આપણે જોતા હોઈએ છીએ. સત્યમુની એ આગળ લખ્યું છે તેમ ઓટલો, હીંચકો, બેઠક, ફળિયું, તુલસી ક્યારો, પાણીયારું, ગોખલા, ટોડલા, પડશાળ, છજાં, ઢાળિયું, કોઠી અને ગમાણ – આ બધું ઘર ને સગવડ તો આપે જ છે પણ સાથે સાથે ઘર માં રહેનાર ને અદભુત અનુભૂતિ નો સ્પર્શ પણ કરાવે છે. માણસ ને ઘણી વાર એવું પણ થાય છે કે જે ઘર મેં તે રહ્યો હોય તે ઘરો એની સ્મૃતિ માં બંધાઈ જતાં હોય છે. મારા મિત્ર અને લેખક શ્રી વીનેશ અંતાણી લખે છે તેમ, વર્તમાનમાં પણ એ જે છૂટી ગયા છે એવા ઘરો માં જીવતા હોય છે. માણસ માટે ઘર ની છાપ એટલે પોતાના દાદા-પરદાદા ના ઘર માં રહ્યા હોય છે એજ કાયમ માટે ઘર ની વ્યાખ્યા માં બંધ બેસતું હોય છે. જ્યાં મહેમાનો ની આવન જાવન રહેતી હોય, જ્યાં નિયમિત રીતે “બેસવા” આવતા લોકો થી બેઠક ભરી હોય અને એ પણ કોઈ કામ કે સ્વાર્થ ના હોય – તેવા લોકો થી ઘર હર્યું-ભર્યું હોય – આવું હવે કદાચ જોઈ શકાય કે નહીં એ એક પ્રશ્નાર્થ છે.

ઘર માણસ નાં દિલ-દિમાગ પર કેટલું છવાઈ જાય છે એની એક ઘટના બાંકડે બેસતા એક વડીલે વર્ણવી. ઉમરલાયક એવા એક સજ્જન શહેર માં તેના પુત્ર સાથે રહેતા હતા પણ એનું દિલ બાજુ ના ગામડા માં ના પોતાના ઘર માં રહેતું. અવાર-નવાર એ યાદ કરતા એ ઘર ને અને દિમાગ માં સ્મૃતિઓ નું એક ઘર બની જતું હતું કે જે જલ્દી થી ભુલાતું ન હતું. એ સજ્જન ની તબિયત પણ કંઈ સારી રહેતી ન હતી. એક દિવસ એણે પુત્ર પાસે ગામડા ના ઘરે જવા ની વાત કરી. કોણ જાણે કેમ કે એ ગામડા ના ઘર ની અંતિમ મુલાકાત હતી કે પછી મૃત્યુ નો ભાસ થઇ ગયો હતો. એજ રાત્રે એ વડીલ ગામડા ન એ જુના મકાન માં મૃત્યુ પામ્યા.

એક એવું પણ અવતરણ છે કે જે ઘર વિષે ની બધીજ શક્યતાઓ ને સમાવી લે છે. તમારું ઘર ત્યારેજ તમારું લાગે છે, જ્યાં તમારો પોતીકો એક ખૂણો હોય, એકાંત રૂપ જગ્યા હોય. જ્યાં તમે હો, માત્ર તમે જ. ઘર એટલે અખિલ બ્રહ્માંડ માં મારું વિશ્વ!

હવે મારું ઘર
સદાય ઉઘાડું રહેશે
મારા ઘર ને
કમાડ જ ક્યાં છે?
– ગુલાબ દેઢિયા

– – – – –
– નયનેશ વોરા, લખ્યા તા: ૨૫-ડિસેમ્બર-૨૦૧૧, નાતાલ

શું કહેવું?

હોય ભાર ચોમાસું અને વરસે
અનરાધાર, એ તો સમજ્યા;
પણ મોસમ વિના ગર્જી ને પડતો
બેસુમાર, એને શું કહેવું?

અંતર થી દૂર હોય છે તેને કહે છે
જુદાઈ, એ તો સમજ્યા;
દૂર હોય છે અંતર થી, નજીક હોવા છતાં,
ખુદાઈ, એને શું કહેવું?

– નયનેશ વોરા (લખ્યા તા: ૦૭-મે-૧૯૯૩)