શાંત પળો માં – ગિજુભાઈ બધેકા

Image

ઘડીભર રાજદ્વારી પ્રપંચ છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર વકીલી કાવાદાવા છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર વેપાર ની ગડમથલ છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર કાવ્ય-સંગીતને છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર ભાઈબંધ-મિત્રોને છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર પ્રભુભજન ને પણ છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર જીવન-સમગ્ર વીસરી જા
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર ગડમથલિયા જગત ને ફેંકી દે
ને તારા બાળક સાથે રમ.
– – – – –

બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકા ની આ ઉત્તમ રચના જયારે મને ઓફીસ માં મિત્ર ચિંતન છાયા એ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ના bookmark સ્વરૂપે આપી ત્યારે બધું કામ પડતું મૂકી, ઘરે જઈ ને હસતા-રમતા મારા બાળકો ને મળવા નું મન થઇ આવ્યું.

માટી ને ચાકડા પર ચડાવવા થી ઘડો આપોઆપ નથી બની જતો. કુંભારે બાજુ માં બેસી ફરતા ચાખડા પર હાથે થી એ માટી ને ઘડી ને આકાર આપવો પડે છે. બાળક એની જાતે જ ઘડાઈ જશે એવું માનવું એ માં-બાપ તરીકે ની સૌથી મોટી ભૂલ ગણી શકાય.

માન્યું કે નોકરીઓ હવે અઘરી થઇ ગઈ છે અને સ્પર્ધાત્મક માહોલ માં આગળ રહેવા માટે સતત મેહનત કરવી પડે છે. મેં લોકો ને એવું કહેતા સાંભળ્યા છે, “આપણે આ બધી મહેનત કરી ને જે કંઈ કમાઈયે છીએ તે કોના માટે છે? બાળકો માટેજ વળી!” સાચી વાત, પણ બાળક ના ઘડતર ને કમાણી સાથે કોઈ સંબંધ નથી; એને તો સમય જોઈએ. સાચા શિક્ષણ ની શરૂઆત બાળક સાથે સમય વિતાવવા થી જ થાય છે – સાથે રમવું, હસતા રમતા જોવા, એને ભૂલ કરવા દેવી, કરેલી ભૂલો માં થી શીખવા દેવું, આસપાસ ના વિશ્વ ની સમજ આપવી, વાર્તાઓ કરવી, સંસ્કારો નું સિંચન કરવું એ પૈસા કમાવા કરતા પણ વધારે અગત્ય નું (અને કદાચ વધારે અઘરું પણ) છે. બાળકો મોટા થઇ જાય પછી એમ કહેવું “છોકરાઓ ક્યાં મોટા થઇ ગયા એ ખબર જ ન પડી!” એ કઈ ગર્વ લેવા જેવી વાત નથી.

ગિજુભાઈ બધેકા ની આ કૃતિ એ મને પણ એવી પ્રતીતિ કરાવી કે તમારા બાળક સાથે સમય વિતાવવો એ તેમને પ્રેમ કરવાની એક એવી રીત છે જેનાથી સંબંધ ના તાંતણા મજબુત બને છે અને બાળક નો આત્મ-વિશ્વાસ પણ! તેમની કહેલી અને મારા સુધી પહોંચેલી આ વાત હું યાદ રાખીશ. મારી સાત વર્ષ ની દીકરી અને આઠ મહિના નો દીકરો તેમના કલરવ થી ઘર ને એવી રીતે મલકતું રાખે છે જેમ એક ઝાડ ને તેમાં કલરવ કરતા પક્ષીઓ.

તો જો ઘર માં નાનું બાળક હોય તો ગિજુભાઈ કહે છે તેમ “તારા બાળક સાથે રમ” અને જો ઘર માં નાનું બાળક ન પણ હોય તો કદાચ એવું કહી શકાય કે “તારી અંદર રહેલા અને જીવતા એવા બાળક સાથે રમ.”

તન્મય વોરા – લખ્યા તા: 17-May-2013

3 thoughts on “શાંત પળો માં – ગિજુભાઈ બધેકા

  1. Bhairavi Shah May 17, 2013 at 9:35 am Reply

    It is told, “Your kids as grown up persons are reflection of your parenting; mirrors of your thoughts you have imparted in them!!” To have a clean and unbroken mirror it is required to take time out and build it with all efforts!

  2. ASHOK M VAISHNAV May 20, 2013 at 5:14 am Reply

    પોતામાં રહેલ બાળકને શોધવું નએ તેની સાથે બાળસહજ ભાવે રમવું એ બન્ને બહુ જ મુશ્કેલ કામ તો છે જે, પણ એ કરવામાટે જરા પણ રાહ ન જોવી જોઇએ.

  3. jemishgolakiya July 24, 2013 at 2:16 pm Reply

    “માન્યું કે નોકરીઓ હવે અઘરી…..” આ પેરેગ્રાફ સમાજના આમ આદમી સુધી પહોંચાડવો જોઈએ. પૈસા કમાવવાના ચક્કરમાં કેટલાક લોકો પોતાના સંતાનમાં સંસ્કારોનું સિંચન કરી શકતા નથી. શિક્ષણ મળવાની સાથે દરેક બાળકનું યોગ્ય ઘડતર થાય તો જ દેશનો વિકાસ થઇ શકે છે.

Leave a comment