સર્જનાત્મક હોવું એટલે શું?

માણસ ને કંઇક નવું કરવાની પ્રેરણા ક્યારે અને કેવી રીતે મળતી હશે? કંઈ પણ કરવાની, કે ન કરવાની, પ્રેરણા આપણને કોણ આપતું હશે? એવું તો શું થતું હશે કે માણસ કંઇક નવું કરવા માટે એટલો પ્રેરાય કે એના શરીર, મન અને હૃદય માં કોઈ નવી જ શક્તિ નો સંચાર થાય?

અંગ્રેજી માં જેને લોકો “muse” અથવા “grace” કહે છે એ પ્રેરણા એક એવી ઉર્જા શક્તિ છે જે માણસ ને સર્જનાત્મક બનાવે છે – જેના વગર કઈ પણ નોખું અનોખું કરી નથી શકાતું.

ઘણા સિદ્ધ સર્જકો ને નવું સર્જન કર્યા પછી એવી અનુભૂતિ થઇ છે કે તેમણે કશું જ નથી સર્જ્યું – એ તો બસ એમના દ્વારા સર્જાઈ ગયું. તેઓ નિમિત્ત માત્ર હતા, ફક્ત એ રચના માટે પ્રગટ થવા નું માધ્યમ હતા. શું આ સાચું હશે?

તમે નાના બાળકો ને જોયા છે? તેમણે કઈ પણ આપો તો તેઓ પોતાનો આનંદ એમાં થી શોધી લેતા હોય છે. તેઓ કૃતુહલ થી ભરપુર હોય છે અને જાત જાત ના પ્રયોગો કરતા જ રહે છે જેમાંથી તેઓ શીખે પણ છે. માણસ જન્મે ત્યાર થી જ curious હોય છે અને આ જ કૃતુહલ ને ભણતર પછી પણ ટકાવી રાખવું એ સર્જનાત્મકતા ની પહેલી જરૂરિયાત છે.

અમેરિકા ના બહુજ પ્રખ્યાત નવલકથાકાર અને લેખક સ્ટીવન પ્રેસ્ફીલડ તો ત્યાં સુધી કહે છે પ્રેરણા એક સુંદર અને રૂપાળી સ્ત્રી છે જેનું કામ લોકો ને નવા વિચારો આપવાનું છે. પ્રેરણા નામ ની આ સ્ત્રી દરરોજ એક નિયત સમયે તમારી આસ પાસ પોતાના અદ્રશ્ય વિમાન માં ચક્કર મારે છે અને જુએ છે કે તમે સર્જન કરવા માટે કેટલા તૈયાર અને આતુર છો. નથી? તો કાલે ફરી એ તમારી પાસે આવશે. ત્યારે જો તમે તૈયાર અને આતુર હશો તો પ્રેરણા તમને કંઇક નવું સુચવશે, કોઈ નવા વિચાર ની ભેટ તમને આપી જશે. કંઇક નવું કરવા માટે હમેશા તૈયાર અને તત્પર રહેવું એક સર્જક ની સાચી ઓળખ છે.

સ્કુલ અને કોલેજ માં અપાતું ભણતર ખરેખર શું કરે છે? તે આપણી આસપાસ એક એવું અદ્રશ્ય વર્તુળ બનાવે છે જેની બાહર નથી તો આપણે જઈ શકતા કે નથી એની બાહર વિચારી શકતા. સાચી સર્જનાત્મકતા આ વર્તુળ ની વચ્ચે રહી ને નહિ પણ એની સીમા પર રહી ને ખીલે છે. જ્યાં આ વર્તુળ ની સીમા પૂરી થાય છે ત્યાં થી જ સર્જનાત્મકતા નો પ્રદેશ શરુ થાય છે. શું આનો મતલબ એવો કે ભણતર જરૂરી નથી? બિલકુલ નહિ. ભણતર દ્વારા આપણે જે શીખીએ છીએ એજ આપણી સાચી શક્તિ છે. સાચું જ્ઞાન તો માણસ ને નવું વિચારવા ની અને કરવાની શક્તિ આપે છે. જો આપણું જ્ઞાન આપણને સીમિત રાખે તો એમાં વાંક ભણતર નો કે જ્ઞાન નો નહિ, આપણી વિચારશક્તિ નો છે!

ઔદ્યોગિક જગત માં મશીન કામ કરતા અને માણસો મશીન નું ધ્યાન રાખતા, પણ હવે આપણે જ્ઞાન વિશ્વ ના રહેવાસીઓ છીએ. એક એવું વિશ્વ જ્યાં ઈન્ટરનેટ તમને માહિતી તમારા હાથ માં આપે છે. આ વિશ્વ માં જ્ઞાન હોવું એ મહત્વ નું નથી પણ એ જ્ઞાન નો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ એ વધારે મહત્વ નું છે.

તમે જ કહો – શું આપણી સર્જનાત્મકતા ને વિકસાવ્યા આવું કરવું શક્ય ખરું?

One thought on “સર્જનાત્મક હોવું એટલે શું?

  1. Ashok M Vaishnav July 7, 2014 at 7:04 am Reply

    એમ કહી શકાય કે કુદરતી રીતે એક પ્રાણી તરીકે માનવીમાં કુતૂહલ તો નૈસર્ગિક સ્વરૂપે જ મૂકેલ છે, પણ માનવીને આપેલી વિચાર શક્તિ તે કુતૂહલને જ્ઞાનમાં ફેરવે છે. જ્ઞાન અને આવડત જેમ જેમ માનવને વધારે ને વધારે આત્મસાત થતાં ગયાં તેમ તેમ જે છે તેમાંથી કંઇ નવું કરવાનો અભિગમ પણ માનવીએ કેળવ્યો.
    જ્ઞાન અને આવડતનાં આ ભાથામાં નવું નવું કરવાના અભિગમ વડે માનવીએ જે તે સમયની કુદરતની મદદ પણ લીધી અને ટક્કર પણ લીધી છે.
    આ બધા પ્રયત્નોને વ્યવસ્થિત સ્વરૂપમાં ઢાળાતાં જઇને માનવીએ સંસ્કૃતિને પણ ઘડી.
    મોટા ભાગે માનવી પરિવર્તનની બાબતે પ્રતિક્રિયાશીલ જ રહેલ છે, એટલે પરિવર્તનનો અવરોધ છોડીને જ્યારે માનવી સક્રિયાત્મક બને ત્યારે તેને સર્જનાત્મક અવસ્થામાં આવૃત ગણી શકાય.
    સર્જનાત્મકતા ને સતત સતેજ રાખવી, કે (એક કદમ આગળ વધીને) આગળ વધારતાં રહેવું, તે માનવીની સ્વાભાવિક વૃત્તિ નથી, એટલે તે માટે સભાન પ્રયત્નો તો કરવા પડે.માણસ જે ધારે તે કરી તો લે જ છે. માટે સર્જનાત્મકતાને વિકસાવતાં રહેવાનું તેણે મનથી નક્કી કરવું પડે, તેમ મારૂં માનવું છે.

Leave a comment