નેટવર્ક નું નેટવર્થ

અત્યાર નો સમય નેટવર્ક અને નેટવર્થ નો છે. નેટવર્થ એટલે પૈસા, મૂલ્ય નહીં. પૈસા નો સૌને લોભ છે અને ઘણા લોકો પૈસા માટે પોતાનું ઈમાન અને ધર્મ ને પણ ભ્રષ્ટ કરતા હોય છે. નીતિ થી પૈસો કમાવો એ ધર્મ હોય શકે, એ વાત માનવા ઘણા લોકો તૈયાર નથી હોતા.

ઈન્ટરનેટ અને મોબાઈલ ના જમાના માં નેટવર્ક નો વ્યાપ વધ્યો છે – એટલો કે નેટવર્ક નો પ્રશ્ન ક્યારેક જ નડતો હોય છે. રસ્તા પર કાર માં કે બાઈક પર કાન નીચે મોબાઈલ દાબીને લોકો વાતો કરતા હોય છે. સંબંધો નું નેટવર્ક પણ આવું જ હોય છે, પણ અહીં ઘણી વખત નેટવર્ક નો પ્રશ્ન થતો હોય છે. જ્યાં આપણે દિલ ખોલી અને મુક્ત મને વાતચીત કરવી હોય ત્યાં વાત નથી થતી અને નેટવર્ક મળતું નથી. નેટવર્ક મળવા માટે દિલ ના ટાવર માં એકમેક ના સ્પંદનો ઝિલાય એ મહત્વ નું હોય છે. બાકી બધુજ વ્યર્થ હોય છે. કદાચ એટલેજ આપણે મોબાઈલ ને સ્વીચ-ઓફ રાખવા ની ફરજ પડતી હશે! નેટવર્ક ની આંતર ગૂંથણી ને કારણે ઘણી વાર લોકો સંબંધો ને પણ સ્વીચ-ઓફ કરી મુકતા હોય છે.

વ્યાપ્ત નેટવર્ક ની બીજી ભેટ એટલે સાઈબર-ક્રાઈમ. કહે છે ને કે પ્રગતિ ક્યારેક સારા તો ક્યારેક વધારે ખરાબ પરિણામો ની જનક હોય છે. આપણે એવા કિસ્સાઓ વિષે જાણીએ છીએ જેમાં અજાણ્યા સ્ત્રી અને પુરુષ ઈન્ટરનેટ દ્વારા સંબંધ બાંધે, પછી લગ્ન કરે. મોટા ભાગે આવા કિસ્સાઓ માં યુવતિ “નેટ” માં ફસાતી હોય છે.

હમણા જ મહાનગર નો કિસ્સો અખબાર માં વાંચ્યો ત્યારે લાગ્યું કે આ ગેજેટ્સ શું આપણને આવું શિખવાડી શકે? પોતાના પ્રિયતમ સાથે ઓનલાઈન વાતચીત કરતી વખતે લગ્ન વિષે મોટો ઝઘડો થતાં જ યુવતિ એ વેબ-કેમ ની સામે જ આત્મહત્યા કરી. સાઈબર સેલ કાર્યવાહી કરશે પણ આમાં પ્રેમ નું શું અને જિંદગી નું શું? ઉમંગ અને ઉત્સાહ થી જીવનસાથી સાથે જીવવા ના કોડ ને આવેગ ની અગન જ્વાળાઓ ભરખી ગઈ!

ઈન્ટરનેટ અને મોબાઈલ ના વધુ પડતા ઉપયોગ સામે ઘણી વખત લાલબત્તી બતાવવા માં આવે છે. કાંતિ ભટ્ટ તો કહે છે કે આવા સાધનો માણસ ને સ્વ-કેન્દ્રી અને અતડા બનાવી દેતા હોય છે. સાધન માણસ નું ગુલામ બનવું જોઈએ, અહીં તો માણસ જ સાધનો નો ગુલામ બનતો જાય છે અને માઈગ્રેઇન અને ડીપ્રેશન નો ભોગ બનતો જણાય છે.

વિચારવું જરૂરી છે પણ ઉમંગ અને ઉત્સાહ થી જીવવું એ વધુ જરૂરી છે. આ માટે વિચારો ની સ્વીચ ક્યારે બંધ કરવી તે માણસ ના હાથ માં છે.  બહુ વિચારો પણ દુઃખી કરતા હોય છે.  તત્વજ્ઞાનીઓ, વૈજ્ઞાનિકો અને સર્જનશીલ લોકો ના જીવન માં હતાશા પણ હોય છે તો ક્યારેક કોમન મેન ગણાતા સીધા સાદા લોકો માનસિક રીતે ઉચ્ચ સ્તર પર જીવી અને જિંદગી ની ખરી મજા માણતા હોય છે.

આ માટે જરૂરી છે કે દરેક માણસે અઠવાડિએ ચોવીસ કલાક માટે બધા જ ગેજેટ્સ થી દુર રેહવું જોઈએ; જેથી એ સમય દરમ્યાન એ ખુદ ને રીચાર્જ કરી શકે – અને જીવન ની નાની ગણાતી મોટી મજાઓ, જેમ કે બાળક સાથે રમવું પરિવાર સાથે વાતચીત કરવી વાંચન કરવું વગેરે ને માણી શકે.

નસીમ નિકોલસ તાલેબ એ લખ્યું છે તેમ, “એક ‘ગુલામ’ અને એક ‘ટેકનોલોજી ના ગુલામ’ વચ્ચે એટલું જ અંતર છે કે સાચો ગુલામ સંપૂર્ણ રીતે જાણે છે કે તે આઝાદ નથી.”

– નયનેશ વોરા, લખ્યા તા: 07-જુલાઈ-2013

Tagged: , , ,

Leave a comment