વિચારો નું ફાઈન ટ્યુનિંગ

Fine Tuning

Photo Courtesy: Jonathan Freese Flickr Gallery

છેલ્લાં કેટલાંક વર્ષો થી શહેરો તરફ ની દોટ વધી ગઈ છે. ધંધા રોજગાર ના ક્ષેત્રે હરીફાઈ પણ વધી છે. તેની સાથે સાથે આર્થિક  સામાજિક પ્રશ્નો જટિલ બનતા ગયા છે. દરેક નવી સવારે માણસ સમક્ષ નવા પડકારો ઉભા થતા હોય છે તો પડતર પ્રશ્નોમાં ના કેટલાક હજુ પણ ઉકેલવા ના બાકી રહી જતા હોય છે. નાણાં ના રોકાણ થી માંડી ને સંતાનો ના સગાઇ-લગ્ન જેવા કેટલાય પ્રશ્નો સામે આવે ત્યારે વિકલ્પો ઘણા હોય છે. આવા પ્રશ્નો ના ઉકેલ શોધતી વખતે માણસ દિમાગ નો ઉપયોગ કરતો હોય છે અને  ગણતરીઓ  કરે છે, જે કદાચ હંમેશા સાચી પડે તેવું બનતું નથી. રસ્તે ચાલતા કોઈ ભિક્ષુક આપણી પાસે જયારે યાચના કરે ત્યારે દિમાગ ના પાડે છે પણ દિલ તો ઇચ્છતું હોય છે કે પાંચ-દસ રૂપિયા તો આપવા જોઈએ! અને જો કઈ પણ ના બની શકે તો કઈ બોલ્યા વિના હળવે થી માફી લઇ લેવી જોઈએ!

એવું કહેવાયું છે કે સારું પુસ્તક એક દોસ્ત ની જેમ ક્યારેય દગો આપતું નથી, તે પ્રમાણે વિચારો ના દ્વંધ વખતે તો કોઈ સારું પુસ્તક હાથ માં આવી જાય તો બેડો પર થઇ જાય એવું બની શકે છે. પ્રેરણાત્મક સાહિત્ય ના પ્રકાશન નું બજાર ધમધમતું જોવા મળે છે અને આવા પ્રકાશનો  નું કરોડો નું ટર્ન-ઓવર થતું હોય છે.આ અતિ વિશાળ ફલક ધરાવતા વિષય માં હવે પ્રેમ લગ્ન અને સંબંધો ના વ્યવસ્થાપન અને જાળવણી નો ઉમેરો થયો છે અને સમાધાન લક્ષી સલાહ-સૂચનાઓ આપવામાં આવતા હોય છે. દુનિયા ના કુલ 103 જેટલા ગુરુઓ ના અવતરણો નું સંકલન  – “The Treasure – Essence from World’s Greatest Motivational and Self-Help Gurus” શ્રી યોગેશ ચોલેરા એ કર્યું છે તેની નોંધ લેવા જેવી છે, અને એક અસરકારક પુસ્તક બન્યું છે.

બાળવાર્તાઓ અને કહેવતો પેઢી દર પેઢી આપણાં જીવન માં વણાયેલી રહી છે અને રહેશે. આપણી આજુ બાજુ ના વિશ્વ ને માણવા ની પ્રક્રિયા માં એ આપણ ને સહાયરૂપ થતી હોય છે. ફાધર ઝેવિયર્સ નું આવું જ પુસ્તક “101 Inspiring Stories: Principles for Successful Living” માણવા અને જાણવા જેવું છે. પ્રશ્નો ના જવાબો ના ત્રિભેટે ઉભી ને માણસ  કેવી રીતે સાચા સમાધાન પર આવી શકે છે તે ખુબજ અસરકારક રીતે વાર્તા સ્વરૂપે રજુ કરાયેલ છે. તેમાં ની એક વાર્તા નો ભાવાર્થ નીચે રજુ કરું છું.

એક છુટક વેપારી ની દુકાન સામે ડીપાર્ટમેન્ટલ સ્ટોર થાય છે અને વેપારી મુશ્કેલી માં આવી જાય છે. ધંધો ઠપ્પ થઇ જશે એવા ડર થી એ દુકાન બંધ કરવાનો નિર્ણય કરતા પહેલા પોતાના ગુરુ પાસે માર્ગદર્શન માટે પહોંચે છે. ગુરુ તેને કહે છે, “બીજાઓ નો ડર તમારા મન માં ઘૃણા પેદા કરે છે અને ઘૃણા કરે તેનું પતન જલ્દી થાય. દરરોજ સવારે તારી દુકાન ને ખોલતા પહેલા તેને સમૃદ્ધિ ના આશીર્વાદ આપજે અને પછી સામે વાળા સ્ટોર ને પણ એવા જ આશીર્વાદ આપજે કારણ કે જેટલા આશીર્વાદ તું પેલા સ્ટોર ને આપીશ એથી બમણા આશીર્વાદ તને અને તારી દુકાન ને મળશે.” વેપારી એ આવું કર્યું અને દિવસો જતા આ વેપારી અને પેલા સ્ટોર ના માલિક મિત્રો બની ગયા અને આગળ જતા આ વેપારી ને સ્ટોર માં  પાર્ટનર બનાવી લેવાયો. વેપારી એ ઘણા વર્ષો સુધી આ સ્ટોર ને કુશળતા થી ચલાવ્યો જેથી કરી ને સ્ટોર ના માલિકે પોતાના બધાજ હક્ક વેપારી ને વહેંચી આપ્યા.

જગત માં દરેક તત્વો એક બીજા સાથે ગૂંથાયેલા હોય છે એ વૈજ્ઞાનિક સત્ય ને સ્વીકારવું રહ્યું. અદેખાઈ થાય એ સંજોગો માં સામે ની વ્યક્તિ માટે શુભ વિચારો કરવા, એ એક એવી શક્તિ છે કે જે પડઘા ની જેમ આપણા તરફ આવી ને આપણને મદદ કરી જાય એવું બની શકે છે.જયારે એક સમયે અનેક વિચારો આવી જતા હોય છે, ત્યારે આપણે આત્મા ના અવાજ ને સંભાળવો જરૂરી બને છે.

એટલે જ ઋગ્વેદ 1-89-1 માં કહ્યું છે તેમ “आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:” અર્થાત્ “દરેક દિશાઓ માં થી અમને શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ.”  મારી દ્રષ્ટિ એ પૂર્વ શરત એ છે કે આપણે પણ શુભ અને સારા વિચારો વહેતા મુકીએ.

આજ થી વર્ષો પહેલા મોટા એન્ટેના ધરાવતા ટી.વી. હતા – એમાં અવાજ કે ચિત્ર સ્પષ્ટ ન આવતા ત્યારે આપણે એન્ટેના ને થોડું અમથું ફેરવી ને ફાઈન ટ્યુનિંગ કરતા. તેવીજ રીતે અવાજો હોય કે  વિચારો હોય, થોડું ફાઈન ટ્યુનિંગ કરવા થી રાહ સ્પષ્ટ થાય અને જીવન મંગલમય બને!

– – – – –

લેખક: નયનેશ વોરા, લખ્યા તા: 24-એપ્રિલ-2013

2 thoughts on “વિચારો નું ફાઈન ટ્યુનિંગ

  1. ASHOK M VAISHNAV May 7, 2013 at 5:20 am Reply

    વાંચન મારૂં પણ ખાસ દોસ્ત, તત્વજ્ઞાની અને મિત્ર રહ્યું છે.
    પુસ્તકોને ઉપલબ્ધ કરાવવામાં, મારી જિંદગીમાં, એક સમયે પુસ્તકાલયોનો ફાળો બહુ જ મોટો રહ્યો છે. જો કે છેલ્લાં કેટલાં વર્ષોથી જાહેર પુસ્તકાલયો સાથેનો સીધો સંબંધ રહ્યો નથી.
    પણ, હું જેટલું પણ (મારાં મર્યાદીત ક્ષેત્રમાં) જાણું છું ,તે પરથી, નાનાં શહેરો કે ગામોમાં જાહેર પુસ્તકાલયોની હાલત એક ‘ગરીબ’ સંન્નિષ્ઠ મિત્ર જેવી હશે, જે મદદ કરવા ઇચ્છે, પણ તેની પાસે જરૂરી સાધનોની ટાંચ છે., તેમ જણાય છે.
    હમણાં જ અમદાવાદમાં યોજાઇ ગયેલ રાષ્ટ્રીય પુસ્તક મેળામાં પુસ્તકને દાન આપવા માટે એક ખાસ વ્યવસ્થા કરાઇ હતી, જે બહુ જ સ્તુત્ય પગલું ઘણી શકાય. જો કે તેમાં ‘દાન’ કરાયેલાં કેટલાં પુસ્તકોમાંથી કેટલાં ‘કાઢી નંખાયાં’ હતાં અને કેટલાં ‘દિલથી’ અપાયાં હતાં, તે વિશે તો જાણવા નહીં મળે.
    પરંતુ, એ વ્યવ્સ્થા પુસ્ત્ક મેળા સિવાય પણ જો ચાલુ રહે, તો ઘણાં પુસ્તકો જાહેર પુસ્ત્કાલયો, કે શાળાઓનાં પુસ્તકાલયો,માટે મળતાં જરૂર રહી શકે.
    તેજ રીતે, આપણાં ખૂબ જ પાયાનાં, પણ વ્યાવસાયિક દ્ર્ષ્ટિએ બહુ વ્યાપક વેંચાણ ન ધરવતાં સામયિકોનાં લવાજમ પણ ‘દાન’ કે ‘ભેટ’ રૂપે સ્વિકારવાની વ્યવસ્થા કરવી જોઇએ.
    અને પછી આ યોજનાને શક્ય એટલી વધારે પ્રસિધ્ધિ આપવી જોઇએ કે જેથી આ માધ્યમ વડે વધારે ને વધારે ‘વાંચન (અને દ્રશ્ય/શ્રાવ્ય) સામગ્રી આ જાહેર પુસ્તકાલયો માતે મળતાં થઇ શકે.
    આ પ્રયોગ માત્ર સરકાર કે અર્ધ-સ્રકારી સંસ્થાઓ જ કરે તેવું કહેવાનો આશય નથી. ખાનગી સંસ્થાઓ કે વ્યક્તિઓ પણ આ પ્રવૃત્તિને વેગ આપી શકે.
    એવું પણ બને કે આ બાબતે ઘણી સંસ્થાઓ કે વ્યક્તિઓ કાર્યરત હોય પણ ખરી, જો તેમ હોય તો તેમનાં કાર્યને અને તેમની સથેનાં સંપર્ક સૂત્રોને વધારે પ્રકાશમાં પણ લાવવાનું કામ થવું જોઇએ.

Leave a comment