Category Archives: તન્મય વોરા ની કૃતિઓ

લઘુ વાર્તા: સમય ક્યાં થી લાવવો?

16843443566_b1736a0364_z

“કોમ્યુનિટી હોલ, જીમ, જકુઝી અને સ્વિમિંગ પૂલ
ની સવલતો થી સજ્જ સોસાયટી માં મોંઘોદાટ ફ્લેટ
લોન લઇ ને ખરીદ્યા  પછી તેને વિચાર આવ્યો,
“લોન તો મળી ગઈ, પણ હવે
આ સવલતો ભોગવવા માટે નો સમય ક્યાં થી લાવવો?”

સર્જનાત્મક હોવું એટલે શું?

માણસ ને કંઇક નવું કરવાની પ્રેરણા ક્યારે અને કેવી રીતે મળતી હશે? કંઈ પણ કરવાની, કે ન કરવાની, પ્રેરણા આપણને કોણ આપતું હશે? એવું તો શું થતું હશે કે માણસ કંઇક નવું કરવા માટે એટલો પ્રેરાય કે એના શરીર, મન અને હૃદય માં કોઈ નવી જ શક્તિ નો સંચાર થાય?

અંગ્રેજી માં જેને લોકો “muse” અથવા “grace” કહે છે એ પ્રેરણા એક એવી ઉર્જા શક્તિ છે જે માણસ ને સર્જનાત્મક બનાવે છે – જેના વગર કઈ પણ નોખું અનોખું કરી નથી શકાતું.

ઘણા સિદ્ધ સર્જકો ને નવું સર્જન કર્યા પછી એવી અનુભૂતિ થઇ છે કે તેમણે કશું જ નથી સર્જ્યું – એ તો બસ એમના દ્વારા સર્જાઈ ગયું. તેઓ નિમિત્ત માત્ર હતા, ફક્ત એ રચના માટે પ્રગટ થવા નું માધ્યમ હતા. શું આ સાચું હશે?

તમે નાના બાળકો ને જોયા છે? તેમણે કઈ પણ આપો તો તેઓ પોતાનો આનંદ એમાં થી શોધી લેતા હોય છે. તેઓ કૃતુહલ થી ભરપુર હોય છે અને જાત જાત ના પ્રયોગો કરતા જ રહે છે જેમાંથી તેઓ શીખે પણ છે. માણસ જન્મે ત્યાર થી જ curious હોય છે અને આ જ કૃતુહલ ને ભણતર પછી પણ ટકાવી રાખવું એ સર્જનાત્મકતા ની પહેલી જરૂરિયાત છે.

અમેરિકા ના બહુજ પ્રખ્યાત નવલકથાકાર અને લેખક સ્ટીવન પ્રેસ્ફીલડ તો ત્યાં સુધી કહે છે પ્રેરણા એક સુંદર અને રૂપાળી સ્ત્રી છે જેનું કામ લોકો ને નવા વિચારો આપવાનું છે. પ્રેરણા નામ ની આ સ્ત્રી દરરોજ એક નિયત સમયે તમારી આસ પાસ પોતાના અદ્રશ્ય વિમાન માં ચક્કર મારે છે અને જુએ છે કે તમે સર્જન કરવા માટે કેટલા તૈયાર અને આતુર છો. નથી? તો કાલે ફરી એ તમારી પાસે આવશે. ત્યારે જો તમે તૈયાર અને આતુર હશો તો પ્રેરણા તમને કંઇક નવું સુચવશે, કોઈ નવા વિચાર ની ભેટ તમને આપી જશે. કંઇક નવું કરવા માટે હમેશા તૈયાર અને તત્પર રહેવું એક સર્જક ની સાચી ઓળખ છે.

સ્કુલ અને કોલેજ માં અપાતું ભણતર ખરેખર શું કરે છે? તે આપણી આસપાસ એક એવું અદ્રશ્ય વર્તુળ બનાવે છે જેની બાહર નથી તો આપણે જઈ શકતા કે નથી એની બાહર વિચારી શકતા. સાચી સર્જનાત્મકતા આ વર્તુળ ની વચ્ચે રહી ને નહિ પણ એની સીમા પર રહી ને ખીલે છે. જ્યાં આ વર્તુળ ની સીમા પૂરી થાય છે ત્યાં થી જ સર્જનાત્મકતા નો પ્રદેશ શરુ થાય છે. શું આનો મતલબ એવો કે ભણતર જરૂરી નથી? બિલકુલ નહિ. ભણતર દ્વારા આપણે જે શીખીએ છીએ એજ આપણી સાચી શક્તિ છે. સાચું જ્ઞાન તો માણસ ને નવું વિચારવા ની અને કરવાની શક્તિ આપે છે. જો આપણું જ્ઞાન આપણને સીમિત રાખે તો એમાં વાંક ભણતર નો કે જ્ઞાન નો નહિ, આપણી વિચારશક્તિ નો છે!

ઔદ્યોગિક જગત માં મશીન કામ કરતા અને માણસો મશીન નું ધ્યાન રાખતા, પણ હવે આપણે જ્ઞાન વિશ્વ ના રહેવાસીઓ છીએ. એક એવું વિશ્વ જ્યાં ઈન્ટરનેટ તમને માહિતી તમારા હાથ માં આપે છે. આ વિશ્વ માં જ્ઞાન હોવું એ મહત્વ નું નથી પણ એ જ્ઞાન નો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ એ વધારે મહત્વ નું છે.

તમે જ કહો – શું આપણી સર્જનાત્મકતા ને વિકસાવ્યા આવું કરવું શક્ય ખરું?

શાંત પળો માં – ગિજુભાઈ બધેકા

Image

ઘડીભર રાજદ્વારી પ્રપંચ છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર વકીલી કાવાદાવા છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર વેપાર ની ગડમથલ છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર કાવ્ય-સંગીતને છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર ભાઈબંધ-મિત્રોને છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર પ્રભુભજન ને પણ છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર જીવન-સમગ્ર વીસરી જા
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર ગડમથલિયા જગત ને ફેંકી દે
ને તારા બાળક સાથે રમ.
– – – – –

બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકા ની આ ઉત્તમ રચના જયારે મને ઓફીસ માં મિત્ર ચિંતન છાયા એ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ના bookmark સ્વરૂપે આપી ત્યારે બધું કામ પડતું મૂકી, ઘરે જઈ ને હસતા-રમતા મારા બાળકો ને મળવા નું મન થઇ આવ્યું.

માટી ને ચાકડા પર ચડાવવા થી ઘડો આપોઆપ નથી બની જતો. કુંભારે બાજુ માં બેસી ફરતા ચાખડા પર હાથે થી એ માટી ને ઘડી ને આકાર આપવો પડે છે. બાળક એની જાતે જ ઘડાઈ જશે એવું માનવું એ માં-બાપ તરીકે ની સૌથી મોટી ભૂલ ગણી શકાય.

માન્યું કે નોકરીઓ હવે અઘરી થઇ ગઈ છે અને સ્પર્ધાત્મક માહોલ માં આગળ રહેવા માટે સતત મેહનત કરવી પડે છે. મેં લોકો ને એવું કહેતા સાંભળ્યા છે, “આપણે આ બધી મહેનત કરી ને જે કંઈ કમાઈયે છીએ તે કોના માટે છે? બાળકો માટેજ વળી!” સાચી વાત, પણ બાળક ના ઘડતર ને કમાણી સાથે કોઈ સંબંધ નથી; એને તો સમય જોઈએ. સાચા શિક્ષણ ની શરૂઆત બાળક સાથે સમય વિતાવવા થી જ થાય છે – સાથે રમવું, હસતા રમતા જોવા, એને ભૂલ કરવા દેવી, કરેલી ભૂલો માં થી શીખવા દેવું, આસપાસ ના વિશ્વ ની સમજ આપવી, વાર્તાઓ કરવી, સંસ્કારો નું સિંચન કરવું એ પૈસા કમાવા કરતા પણ વધારે અગત્ય નું (અને કદાચ વધારે અઘરું પણ) છે. બાળકો મોટા થઇ જાય પછી એમ કહેવું “છોકરાઓ ક્યાં મોટા થઇ ગયા એ ખબર જ ન પડી!” એ કઈ ગર્વ લેવા જેવી વાત નથી.

ગિજુભાઈ બધેકા ની આ કૃતિ એ મને પણ એવી પ્રતીતિ કરાવી કે તમારા બાળક સાથે સમય વિતાવવો એ તેમને પ્રેમ કરવાની એક એવી રીત છે જેનાથી સંબંધ ના તાંતણા મજબુત બને છે અને બાળક નો આત્મ-વિશ્વાસ પણ! તેમની કહેલી અને મારા સુધી પહોંચેલી આ વાત હું યાદ રાખીશ. મારી સાત વર્ષ ની દીકરી અને આઠ મહિના નો દીકરો તેમના કલરવ થી ઘર ને એવી રીતે મલકતું રાખે છે જેમ એક ઝાડ ને તેમાં કલરવ કરતા પક્ષીઓ.

તો જો ઘર માં નાનું બાળક હોય તો ગિજુભાઈ કહે છે તેમ “તારા બાળક સાથે રમ” અને જો ઘર માં નાનું બાળક ન પણ હોય તો કદાચ એવું કહી શકાય કે “તારી અંદર રહેલા અને જીવતા એવા બાળક સાથે રમ.”

તન્મય વોરા – લખ્યા તા: 17-May-2013

હુંફ દેવા બીજા ને, જે ધગધગે એ જિંદગી.

શિયાળા ની એ ઠંડી રાત્રે
રસ્તા ની કોર પર
ધ્રુજતી એક વૃદ્ધ સ્ત્રી
પસાર થતા લોકો પાસે
મદદ માંગી રહી હતી.
ગાડીઓ માં પસાર થતા લોકો
પોતાના માં એટલા વ્યસ્ત હતા
કે તેમને જોવા સુદ્ધાં ની ફુરસત ન હતી.

પસાર થતા એક સજ્જન
અચાનક રોકાયા અને ૫૦ રૂપિયા આપ્યા
પછી થોડી વાર માં એક ચાદર અને ગોદડું પણ આપી ગયા.

વૃદ્ધા ને હુંફ આપી, એ સજ્જને હુંફ મેળવી.

લોકો માને છે કે મેળવી લેવું એ જીવન છે
પણ હકીકત એ છે વિના સ્વાર્થે આપવું
અને આપી ને મેળવવું, એ જીવન છે.

શૂન્ય પાલનપુરી એ સાચું જ કહ્યું છે –

થીજવી દે હાડ એવી આફતો ની ટાઢ માં,
હુંફ દેવા બીજા ને, જે ધગધગે એ જિંદગી.

– – – – –

– તન્મય વોરા (લખ્યા તા: ૨૮-ડીસેમ્બર-૨૦૧૧)
આજ સંદર્ભ માં ૨૦૦૯ માં મારા બ્લોગ “QAspire.com” પર લખેલ પોસ્ટ “Giving is Growing – Generosity and Leadership

દીકરી ને…

મારી વહાલી દીકરી,

તું એટલે અમે,
તારા માં અમે અમને જોઈએ
તું આવડી નાની
ને અમે તારા મોટા થવા નાં સ્વપ્નો જોઈએ.

તને નવું નવું બોલતા,
શીખતા અને ચાલતા જોઈએ
જયારે તને જોઈએ,
તારા માં કશુક નવું જ જોઈએ!

સાવ અજાણ હતું
એ બાળક ને સમજતા જોઈએ
અને દરેક દિવસે
સમય ની અચલ ગતિ ને જોઈએ!

તારા કલબલાટ થી
ખીલી ઉઠતું ઘર જોઈએ
સમય ભલે ને વહે
તું તો અમને આવડી જ જોઈએ!

દીકરી વ્હાલ નો દરિયો
નેં દરિયા માં તરબોળ અમને જોઈએ
પ્રભુ નું તું રહે વિશેષ બાળક
એથી વિશેષ અમને શું જોઈએ?


– તન્મય વોરા (લખ્યા તા: December ૨૦૦૭, “હૈયા ની વાતો હિયા ને” માં થી)

કૃતજ્ઞતા

અત્યાર સુધી તો
મને એમ હતું કે
શક્તિ પૈસા માં છે
શક્તિ તો ડિગ્રી માં છે
શક્તિ બહાર ક્યાંક છે.
પણ.. જયારે મેં પોતાની અંદર જોયું
જયારે મેં પોતાની સામે જોયું
તો મને સમજાયું કે
શક્તિઓ તો બધી મારી અંદર છે
જયારે હું મારી શક્તિઓ ને ઓળખું, વિકસાવું
અને અભિવ્યક્ત કરું
ત્યારે જ હું સારું ભણી શકું, સારો વ્યવસાય કરી શકું
અને સારો માણસ બની શકું.

મારી શક્તિઓ એટલે,
મારો આત્મવિશ્વાસ,
મારી વિચારવા ની ક્ષમતા,
મને થતી ઇચ્છાઓ અને લાગણીઓ,
મારી કલ્પના કરવાની ક્ષમતા,
મારી વાતચીત કરવાની ક્ષમતા,
મારી ચાલવા ની, દોડવાની અને હસવા ની ક્ષમતા,
મારી લખવા ની ક્ષમતા,
સકારાત્મક વિચારવાની ક્ષમતા,
માણસ સાથે માણસ બની રહેવા નો આગ્રહ,
પ્રેમ આપી અને પ્રેમ મેળવી શકવા ની ક્ષમતા.

મારી આ શક્તિઓ થાકી,
હું ધારું તે સર્જી શકું છું.
અને હું “ધારી શકું છું”
એ મારી સૌથી મોટી શક્તિ!

– તન્મય વોરા (લખ્યા તા: ૨૦. ૧૦. ૨૦૦૬)